ઉંઝાજોડણી

       (‘સન્ડે ઈમહેફીલ’ની ઉંઝાજોડણી જોઈ ઘણા મીત્રો પુછે છે કે આ ‘ઉંઝાજોડણી’ છે શું ? દરેકને અલગ અલગ લખવાને બદલે, મીત્ર બળવંત પટેલે તે વાત સંક્ષેપમાં લખી મોકલી છે તે જ રવાના કરીએ છીએ. આશા છે કે તેનાથી આછોપાતળો ખ્યાલ તો મળી જ રહેશે. પુષ્કળ સાહીત્ય પણ પ્રગટ થયું છે. રસ પડે અને વધુ જાણવા મન થાય તો સરનામું મોકલજો. સાહીત્ય પાઠવીશ…ઉત્તમ ગજ્જર….53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–395 006)

ઉંઝાજોડણી

––બળવંત પટેલ

       ઉંઝાજોડણી એટલે ‘ગુજરાતી ભાષા પરીષદે’ (મુળે ‘ભાષા શુદ્ધીઅભીયાન’)  તેના  ઉંઝા અધીવેશનમાં  ઠરાવ્યા  મુજબ  હ્રસ્વ અને દીર્ઘ  એમ  બબ્બે ‘ઈ–ઉ’ ને  બદલે  એક જ ‘ઈ’  અને  એક  જ ‘ઉ’વાળી  જોડણી, જેમાં ‘ઈ’ માટે દીર્ઘ ‘ઈ’ (ી)નું વપરાતું ચીહ્ન અને ઉ માટે હ્રસ્વ ‘ઉ’ (ુ )નું વપરાતું ચીહ્ન   અપનાવવાનું  ઠરાવવામાં  આવ્યું  તે  જોડણી .

         વીસમી સદીના ત્રીજા દાયકા સુધી ગુજરાતી ભાષાની જોડણીમાં  એકરુપતા ન હતી, કોઈ સર્વમાન્ય નીયમપુર્વકની વ્યવસ્થા ન હતી. આ  માટેનો ઉહાપોહ નર્મદ–નવલરામના સમયથી ચાલતો હતો, પણ કોઇ  એકમતી ઉભી થઈ શકતી ન હતી. ગાંધીજીએ 1929માં જોડણીના નીયમો નક્કી કરાવી ગુજરાત વીદ્યપીઠ દ્વારા જોડણીકોશ પ્રગટ કરાવ્યો. આ  જોડણીકોશને ગુજરાતી સાહીત્ય પરીષદની 1936માં માન્યતા મળી અને  સરકારની 1940માં. ગુજરાત વીદ્યાપીઠનો આ જોડણીકોશ સર્વમાન્ય થવામાં  ગાંધીજીના પ્રભાવે ઘણું કામ કર્યું.

       પરંતુ જોડણીના નીયમો બનાવવાથી ભાષકને સાચી જોડણી કરવાની  ચાવી મળવી જોઈએ, સાચી એટલે કે માન્યજોડણી, બીનભુલ–જોડણી કરવાની તેનામાં જે ક્ષમતા ઉભી થવી જોઈએ તેવું બન્યું નહીં. તેનું કારણ નીયમોની  આંટીઘુંટી, તેમાંય ‘ઈ–ઉ’ને લગતા નીયમો… આ નીયમો અંગે વીદ્વાનો કહે  છે તે પ્રમાણે :

       ‘તદ્ભભવ શબ્દોમાં હ્રસ્વદીર્ઘ ‘ઈઉ’ની જોડણીને લગતા નીયમો જુઓ. આ તે તંત્ર છે કે અતંત્ર એવો પ્રશ્ન થાય! ‘ઈઉ’વાળા શબ્દોની અક્ષરસંખ્યા,   એમાં ‘ઈઉ’નું સ્થાન, યુક્તાક્ષરનું સાન્નીધ્ય, અનુસ્વારનીરનુસ્વારની  સ્થીતી, અનુસ્વારની તીવ્રતામંદતા, મુળ શબ્દ છે કે સાધીત, નામીક રુપ છે  કે આખ્યાતીક, આ બધાં  પર  આધાર  રાખે છે. વળી વ્યુત્પત્તી, પ્રચલીતતા  ને સ્વરભારનાં ધોરણો લાગુ પડે તે જુદાં !

         ‘ઈઉ’ની જોડણી અંગેના આઠ નીયમો છે ને સાત અપવાદો છે અને  સાત સ્પષ્ટીકરણનોંધો છે. જોડણીના નીયમો, ખાસ કરીને ‘ઈઉ’ને  લગતા, એક ઘડી પણ ચાલે તેવા નથી. સાક્ષાત બૃહસ્પતી પણ તેમાં  સરળતાથી ગતી કરી શકે તેમ નથી.’

       સમગ્રપણે જોતાં સ્થીતી એવી છે કે નીયમો આપણને અમુક હદ સુધી જ લઈ જાય છે; છેવટે કોશનું શરણું જ આપણે લેવાનું રહે છે. આ સ્થીતી પર  શગ ચડાવે તેવી વાત એ છે કે કોશ પોતે જ પોતાના નીયમોનું ચોકસાઈથી   પાલન કરી શક્યો નથી.

     ભૃગુરાય અંજારીયાના શબ્દોમાં : ‘સાચી જોડણી લખવાશીખવાશીખવવા માગનાર માટે કોશ નથી કાનની દોરવણી રહેવા દેતો, નથી   તર્કની દોરવણી રહેવા દેતો કે નથી પોતાના નીયમોની દોરવણી રહેવા  દેતો. ’  

      જોડણીની જટીલતા મોટે ભાગે હ્રસ્વદીર્ઘ ‘ઈ–ઉ’ને કારણે છે. ભાષાના  વીદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓના મતે, ‘અર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ‘ઈઉ’  વગેરે સ્વરોની હ્રસ્વતાદીર્ઘતા વચ્ચેનું ભેદભાન જ નષ્ટ થયેલું છે.  અર્થબોધ માટે મોટે ભાગે સ્વરોની માત્રાક્વૉન્ટીટી કશો ભાગ ભજવતી નથી  એટલે તેમની હ્રસ્વતાદીર્ઘતા સુચવતાં બે લીપીચીહ્નો બતાવવાં જરૂરી નથી.’  પંડીત બેચરદાસ દોશી, પ્રબોધ પંડીત, કે. કા. શાસ્ત્રી, દયાશંકર જોશી,  યોગેન્દ્ર વ્યાસ, પુરુષોત્તમ મીસ્ત્રી, જયંત કોઠારી અને બીજા ભાષાશાસ્ત્રીઓ  પણ એક ‘ઈ–ઉ’ રાખવાના મતના છે. કે. કા. શાસ્ત્રીજીના વડપણ હેઠળ  મળેલી ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ની ‘જોડણીસુધાર સમીતી’એ 1987માં  એક જ ‘ઈ–ઉ’ રાખવાનું સુચવ્યું હતું. પણ એ અહેવાલ કોઈ અગમ્ય  કારણોસર અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો .

        ઘણાં વર્ષો સુધી ગુજરાતી ભાષા શીખવતા શીક્ષકો અને પ્રૉફેસરોને  પ્રતીત થતું રહ્યું કે વીદ્યાપીઠના નીયમો પ્રમાણેની જોડણી શીખવવામાં તેમના  નીષ્ઠાપુર્વકના પ્રયત્નો પરીણામકારી નીવડ્યા નથી અને નીયમોની આંટીઘુંટી  જોતાં તે પરીણામદાયી થઈ શકે તેમ પણ નથી. તેમને લાગ્યું કે નીયમો વીશે પુનર્વીચારણા કરી નીયમો સુધાર્યા વીના ચાલે તેમ નથી. આ અંગે  વીદ્યાપીઠને ઘણી વીનંતીઓ કરવામાં આવી જે બહેરા કાને અથડાઈ. આવી  વીનંતી કરનાર પૈકી વડનગરના પ્રા.રામજીભાઈ પટેલ (હાલ અમદાવાદ) અગ્રણી હતા અને તેમણે તે માટે એક ભેખધારીની જેમ પ્રયત્નો સતત ચાલુ  જ રાખ્યા. પરંતુ વીદ્યાપીઠે તો એવું જક્કી વલણ અપનાવ્યું કે નીયમોમાં તો  ફેરફાર થઈ જ ન શકે, કારણ કે ગાંધીજીની તેના પર મહોર વાગી છે, જો કે હકીકત એ છે કે ગુજરાતી સાહીત્ય પરીષદે વીદ્યાપીઠના કોશને માન્યતા  આપી ત્યારે ગાંધીજીએ ખુદે જ કે. કા. શાસ્ત્રીજીને કહ્યું હતું, ‘આનાથી  જોડણીસુધારાનાં દ્વાર બંધ થઈ જતાં નથી.’ વીશેષ, જોડણીકોશ તૈયાર  કરનાર કાકા સાહેબ કાલેલકરે પણ કોશની પ્રથમ આવૃત્તીની પ્રસ્તાવનામાં  લખ્યું છે કે, ‘એક વાર અવ્યવસ્થામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ પછી  સુધારા કરવા જ હોય તો તે કામ સરળ થઈ જાય છે.’ પરંતુ વીદ્યાપીઠના  જોડણીકોશ વીભાગે જોડણી નીયમોની પુનર્વીચારણાનાં દ્વાર બંધ જ રાખ્યાં.

          વીદ્યાપીઠ કે સાહીત્યને લગતી સંસ્થાઓ આ બાબતે કંઈ કરવા તૈયાર નથી એમ પ્રતીતી થતાં શ્રી. રામજીભાઈએ જોડણીસુધારા માટે પરીષદ  ભરવાની ઝુંબેશ ઉપાડી, જેમાં તેમને સુરતના ઉત્તમભાઈ ગજ્જરનો પ્રબળ  સાથ મળ્યો. તેમની આ વાતને જયંત કોઠારી, દયાશંકર જોશી જેવા વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ અને શીક્ષકોનો સારો એવો ઉમળકાભર્યો પ્રતીસાદ મળ્યો અને જાન્યુઆરી 1999માં ઉંઝા મુકામે આ પરીષદ ભરાઈ. ઉંઝાની ઘણી સંસ્થાઓએ તે માટે સઘળી સગવડ કરી આપી અને આર્થીક સહયોગ પણ પુરો આપ્યો.

             આ પરીષદમાં  250 ઉપરાંત વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, શીક્ષકો, તંત્રીઓ, સાહીત્યકારો ઉપસ્થીત રહ્યા હતા, જેમાં ડૉ. નીશીથ ધ્રુવ જેવા અભ્યાસુ તબીબ અને લંડનના વીપુલ  ક્લ્યાણી જેવા પત્રકાર અને સાહીત્યના કર્મશીલ એનઆરઆઈઓ પણ ઉપસ્થીત અને સક્રીય હતા.

         બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે પરીષદે  સર્વાનુમતે ઠરાવ્યું  :

  • અખીલ ગુજરાત જોડણી પરીષદનો ઠરાવ•

      ગુજરાતીમાં ‘ઈ–ઉ’ની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ–ઉ’નું   હ્રસ્વત્વ–દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઇ’  માટે  દીર્ઘ   ઈ  ( ી )નું અને ‘ઊ’ માટે હ્રસ્વ ઉ (  ુ  )નું ચીહ્ન રાખવું.

(ઉંઝા: તા.  9–10 જાન્યુઆરી, 1999º

       ઉંઝા મુકામે ભરાયેલ પરીષદમાં આ નીર્ણય થયો હોઈ આ પ્રમાણેની  એક જ ‘ઈ–ઉ’વાળી જોડણી, ‘ઉંઝાજોડણી’ તરીકે ઓળખાય છે.

       એ ખાસ નોંધપાત્ર છે કે જોડણીમાં એક ‘ઈ–ઉ’ માટેનો વીચાર નવો  નથી. સરસ્વતીચંદ્રના લેખક અને વીદ્વાન તથા જોગાનુજોગ  ગુજરાતી  સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ માધવરામ ત્રીપાઠીજીએ તેમ કરવા આગ્રહપુર્વક સુચવ્યું જ હતું. તે પહેલાં ભારતીય ભાષાઓ અને  ભારતીય સાહીત્યનો વરસો સુધી જેમણે અભ્યાસ કર્યો હતો તેવા બે પ્રતીષ્ઠીત વીદેશી વીદ્વાનોએ, તેમની પણ પહેલાં કહ્યું હતું કે ગુજરાતી ભાષામાં દીર્ઘ  અને હ્રસ્વ સ્વરોનો ભેદ રહ્યો નથી. આ વીદ્વાનો તે આર. એલ. ટર્નર અને લુડવીગ આલ્સ્ડોર્ફ. વીદેશી વીદ્વાનોને બાજુએ મુકીએ તો પણ ગોવર્ધનરામ  ત્રીપાઠી સરખા ધુરંધર વીદ્વાન અને સરસ્વતીચંદ્ર જેવી મહાનવલના  રચનારનું ‘ઉંઝાજોડણી’ને સમર્થન છે તે નોંધપાત્ર છે.

નોંધ: 

       આ એક જ સુધારા સીવાય હાલ કોઈ જ સુધારો સ્વીકારાયો કે કરાયો નથી. બાકીના બધા જ નીયમો ગુજરાત વીદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ મુજબ જ પળાય છે. ઠરાવ થયો તે જ દીનથી આણંદનું ‘મધ્યાંતર’ નામક એક  દૈનીક અને વીસેક જેટલાં સામયીકો ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય છે. સોએક જેટલા લેખકોનાં દોઢસો જેટલાં પુસ્તકો એક જ ‘ઈ–ઉ’માં પ્રકાશીત થયાં છે અને દર મહીને પ્રગટતાં જાય છે. ગુજરાતીની ટોચની પ્રકાશન સંસ્થા જેવી કે મુમ્બઈની ‘ઈમેજ પબ્લીકેશન’, અમદાવાદની ‘સ્વમાન પ્રકાશન’, સુરતની ‘સાહીત્ય સંકુલ’  જેવી ઘણી પ્રકાશન સંસ્થાઓ પણ હવે ઉંઝાજોડણીમાં પુસ્તકો  પ્રકાશીત કરે છે.  અને તેથી જ આ ‘સન્ડે ઈમહેફીલ’ પણ આ  જ  ‘ઉંઝાજોડણી’માં…

–બળવંત પટેલ, ગાંધીનગર

વીશેષ જાણકારી કે સ્પષ્ટતા માટે લખો:

બળવંત પટેલ, Plot 253/1 Sector 7/A , GANDHINAGAR-382007-INDIA

Home : ( 079 ) 232 46209   Mobile : 990 971 8403

patel.balvant@gmail.com

‘શ્રુતી–ગુજરાતી યુનીકોડ’ ફોન્ટમાં  અને  ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર : uttamgajjar@gmail.com  January 26, 2006

“ઉંઝાજોડણી પરીષદ: એક દસ્તાવેજ”

       નામે 200 પાનનો, રુપીયા 125ની કીંમતનો, એક ઐતીહાસીક દસ્તાવેજી ગ્રંથ, ‘ગુજરાતી ભાષાપરીષદ’ તરફથી હાલ પ્રગટ કરવામાં આવ્યો છે. 9-1૦ જાન્યુઆરી, 1999ના દીવસો દરમ્યાન ઉંઝામાં ચાલેલી ‘જોડણીપરીષદ’–ચર્ચાના ઓડીયો રેકોર્ડીંગ પરથી આ દસ્તાવેજ, છ વરસે, ભાષાપ્રેમી આદરણીય શ્રી. રતીલાલ ચંદરયાની પ્રેરણા અને આર્થીક સહયોગથી તૈયાર થયો. બધી બેઠકોમાંના સૌ વક્તાઓનાં મંતવ્યો અને ચર્ચા, બેઠકાધ્યક્ષોનાં વીદ્વત્તાપુર્ણ વ્યાખ્યાનો, ભાગ લેનાર વીદ્વાનોની નામાવલી વગેરે ઝીણીઝીણી વીગત તેમાં આપી છે. ભાષાનાં ભાવી વીકાસ–સુધારણા માટે આ ગ્રંથ એક માર્ગદર્શક કેડી સમ છે. ગ્રંથ મેળવવા લખો :

શ્રી.ઈન્દુકુમાર જાની, મંત્રી, ‘ગુજરાતી ભાષાપરીષદ’, ‘ખેતભવન’, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ–380 027 – ભારત

Shri. Indukumar Jani, Secretary, Gujarati Bhasha Parishad, ‘Khetbhavan’ ,Near Gandhi Ashram, Ahmedabad – 380 002 INDIA